Category talk:ગુજરાતી

From Wikisource
Jump to navigation Jump to search

ઓ પ્રિયતમ ! તારો પગરવ કેટલો નીરવ હોય છે ? શરદઋતુમાં નિઃશબ્દપણે શાંત આકાશમાં સૂવર્ણકિરણોથી વાદળોને વિભૂષીત કરતો તું આવી પહોંચે છે. કૃષ્ણપક્ષની કાળી ડિબાંગ મધ્ય રાત્રીએ ટમટમતા દીવડાની જ્યોતનો પ્રકાશ બનીને તું રેલાઇ રહે છે. તો ગ્રીષ્મનાં બળબળતા બપોરે કોઈ વૃક્ષની શીતળ છાયામાં પાંદડાઓના ફડફડાટ વચ્ચે મીઠાં વાયુની ઝીણી સિતારી બજાવતો તું આવી ચડે છે. પાનખર હોય કે વસંત તારું એ મધૂરૂ ગાન સદા એવુંને એવું જ રહે છે. અને છતાં તારો એ પદચાપ અમારાં બધીર કાનોને ક્યાં સંભળાય છે ? કિનારે પછડાઇને ગુંજી ઊઠતો સમુદ્રનો જયઘોષ કે પુષ્પકૂંજ માંથી કળીઓનાં અધરામૃતનું પાન કરીને લડખડાતા મદહોષ ભ્રમરનું માદક ગુંજન તારા જ આગમનની ચાડી ખાય છે. તારા એ નીરવ પગરવ વડે તું છોને અદ્રષ્ય બનીને રહે. અમારું રૂવાડે રૂવાડું તારા એ ગેબી સંગીતથી ડોલી ઊઠે છે. ઋદયવીણા તારો પદચાપ સૂણીને ઝણઝણી ઊઠે છે. સાચું કહેજે અમારાં આ નિરંતર વહેતા શ્વાસો એ તારો જ પગરવ નથી શું ?