રત્નાકર પચ્ચીશી

From Wikisource
Jump to: navigation, search

(હરીગીત છંદ)-કોરલ શાહ

મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!

ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!

સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના

ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં.(1)


ત્રણ જગતના આધારને અવતાર હે કરુણા તણાં

વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા

વિતરાગ વલ્લ્ભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું

જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું.(2)


શું બાળકો મા બાપ પાસે બાલક્રિડા નવ કરે

ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે

તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવ થી

જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.(3)


મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં

તપથી દમી કાયા નહી શુભ ભાવ પણ ભાવ્યો નહીં

એ ચાર ભેદે ધર્મમાં થી કા6 પણ પ્રભુ નવ કર્યું

મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું.(4)


હું ક્રોધ અગ્નિ થી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને

ગળ્યો માન રૂપી અજગરે સહું કેમ કરી ધ્યાવું તને

મન મારું માયા જાળ માં મોહન મહા મુંઝાય છે.

ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.(5)


મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં

તેથી કરી સંસારમાં સુખ અલ્પપણ પામ્યો નહી

જન્મો અમારા જીન જી ભવ પૂર્ણ કરવાને થયાં

આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયાં.(6)


અમૃત ઝરે તુજ મુખ રૂપ ચંદ્રથી તો પણ પ્રભુ

ભીંઝાય નહીં મુજ મન અરે રે શું કરું હું તો વિભુ

પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે.

મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે.(7)


ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના

જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણાં

તે પણ ગયાં પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું

કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું.(8)


ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા

ને ધર્મનો ઉપયોગ રંજન લોકને કરવા કર્યા

વિદ્યા ભણ્યો હું બવાદ માટે હું કેટલી કથની કહું

સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું.(9)


મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને

ને નેત્રને નિંદીત કર્યાં પરનારીમાં લપટાઈને

વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું

હે નાથ મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું.(10)


કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી

એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી

તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને

જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને.(11)


નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને

કુશાસ્ત્રના વાક્યો વડે હણી આગમોની વાણીને

કિદેવની સંગત થકી કર્મો નકામા આચર્યાં

મતિભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યાં.(12)


આવેલ દ્રષ્ટી માર્ગમાં મુકી મહાવીર આપને

મેં મૂઢધી એ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને

નેત્ર બાણો ને પયોધર નાભિને સુંદર કટી

શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયાં અતિ.(13)


મૃગનયની સમ નારી તણા મુખ ચંદ્ર નીરખવાવતી.

મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પ પણ ગુઢો અતિ

તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી

તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.(14)


સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી

ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી

પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું

ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યાં કરું.(15)


આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે

આશા જીવનની જાય વિષયાભિલાશા નવ મટે

ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મ ને તો નવ ઘણું

બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું.(16)


આત્મા નથી પર ભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી

મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી

રવિ સમ હતાં જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે

દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે.(17)


મેં ચિત્ત થી નહીં દેવ ની કે પાત્રની પૂજા ચહી

ને શ્રાવકો કે સાધુઓ નો ધર્મ પણ પાળ્યો નહીં

પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યાં જેવું થયું

ધોબી તણા કુત્તા સમું મમ જીવન સૈ એળે ગયું.(18)


હું કામ ધેનુ કલ્પતરુ ચિંતામણી ના પ્યારમાં

ખોટાં છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં

જે પ્રકટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં

મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કઈં.(19)


મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહીં

આગમન ઈચ્છ્યું ધન તણું પણ મૃત્યુને પ્રીછ્યું નહીં

નહી ચિંતવ્યું નર્ક કારાગૃહ સમી છે નારીઓ

મધુ બિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયો.(20)


હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો.

કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યા

વળી તીર્થ ના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યાં

ફોગટ અરે આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યાં.(21)


ગુરુ વાણી માં વૈરાગ્ય કેરો રંગ લગ્યો નહીં અને

દુર્જન તણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને

તરું કેમ હું સંસાર આ અદ્યાત્મ તો છે નહીં જરી

તુટેલ તળીયા નો ઘડો જળથી ભરાયે કેમ કરી.(22)


મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી

તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી

ભૂત ભાવી અને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો.

સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો.(23)


અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું

હેદેવતાના પુજ્ય આ ચારિત્ર્ય મુજ પોતા તણું

જાણો સ્વરૂપત્રણ લોકનું તો માહરું શું માત્ર આ

જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈ ની તો વાત ક્યાં.(24)


(શાર્દૂલવિક્રીડીત)

તારાથી ન સમર્થ અન્ય દીનનોૢ ઉદ્ધારનારો પ્રભુ

મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ.

મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી.

આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી.(25)

Personal tools
Namespaces

Variants
Actions
Navigation
Print/export
Toolbox