મીરાંબાઈ ના ભજન

From Wikisource

Jump to: navigation, search
    • મેરે તો ગિરિધર ગોપાલ
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;

દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ ...મેરે તો

ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;

સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ ...મેરે તો

ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;

અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ ...મેરે તો

દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;

રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ ...મેરે તો

અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;

મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ ...મેરે તો

    • પગ ઘુંઘરૂ બાંધ
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

મૈં તો મેરે નારાયણ કી આપહિ હો ગઇ દાસી રે |

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

લોગ કહૈ મીરા ભઇ બાવરી ન્યાત કહૈ કુલનાસી રે |

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

બિષ કા પ્યાલા રાણાજી ભેજ્યા પીવત મીરા હાઁસી રે |

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

મીરા કે પ્રભુ ગિરધર નાગર સહજ મિલે અબિનાસી રે |

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||


    • મારો હંસલો નાનો

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું;

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.


આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું;

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.


તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું;

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.


બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં;

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.


    • મને લાગી કટારી પ્રેમની

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;

મુને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવા ગયા'તાં;
હતી ગાગર માથે હેમની રે;

મુને લાગી કટારી પ્રેમની.

કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે;

મુને લાગી કટારી પ્રેમની.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે;

મુને લાગી કટારી પ્રેમની.


    • ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા;

ઝેર તો પીધા છે જાણી જાણી;

નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા.

ઝેર તો પીધા છે જાણી જાણી;

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;

કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;

તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી.

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે;

સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી.

સાધુડાના સંગ મીરાં છોડી દો;

તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે;

જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી.

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;

તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા;

ઝેર તો પીધાં છે જાણી જાણી.


    • મનડું વિંધાણું રાણા

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.

મારું મનડું વિંધાણું.....

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા;
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.

મારું મનડું વિંધાણું.....

ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા;
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.

મારું મનડું વિંધાણું.....

બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા;
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.

મારું મનડું વિંધાણું.....



    • મેરો દરદ ન જાણૈ કોય

હે રી મૈં તો પ્રેમ-દિવાની મેરો દરદ ન જાણૈ કોય |

ઘાયલ કી ગતિ ઘાયલ જાણૈ જો કોઈ ઘાયલ હોય |

જૌહરિ કી ગતિ જૌહરી જાણૈ કી જિન જૌહર હોય |

સૂલી ઊપર સેજ હમારી સોવણ કિસ બિધ હોય |

ગગન મંડલ પર સેજ પિયા કી કિસ બિધ મિલણા હોય |

દરદ કી મારી બન-બન ડોલૂં બૈદ મિલ્યા નહિં કોય |

મીરા કી પ્રભુ પીર મિટેગી જદ બૈદ સાંવરિયા હોય |


    • મુખડાની માયા લાગી રે
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું રે;

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે;

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેવા ઘેર શીદ જઈએ રે;

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો રે;

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે;

મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.


    • રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી;

મને રામ રમકડું જડિયું.

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું;
નહિ કોઈના હાથે ઘડિયું રે;

મને રામ રમકડું જડિયું.

મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા;
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે;

મને રામ રમકડું જડિયું.

સૂના શિખરના ઘાટથી ઉપર;
અગમ અગોચર નામ પડિયું રે;

મને રામ રમકડું જડિયું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
મન મારું શામળિયા સંગ જડિયું રે;

મને રામ રમકડું જડિયું.
    • નંદલાલ નહિ રે આવું

નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે;
કામ છે, કામ છે, કામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના;
વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

વનરા રે વનમાં રાસ રચ્યો છે;
સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

વનરા તે વનની કુંજગલીમાં;
ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

વનરા તે વનના મારગે જાતાં;
દાણ આપવાની મુને ઘણી હામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ;
ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.


    • મુજ અબળાને મોટી મીરાત

મુજ અબળાને મોટી મીરાત બાઈ;
શામળો ઘરેણું મારું સાચું રે.

વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી;
હાર હરિનો મારે હૈયે રે.

ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો;
શીદ સોની ઘેર જઈએ રે.

ઝાંઝરિયાં જગજીવન કેરાં;
કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે.

વિંછુવા ઘૂઘરા રામ નારાયણના;
અણવટ અંતરજામી રે.

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી;
ત્રિકમ નામનું તાળું રે.

કૂંચી કરાવું કરુણાનંદ કેરી;
તેમાં ઘરેણું મારું ઘાલું રે.

સાસરવાસો સજીને બેઠી;
હવે નથી કંઈ કાચું રે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
હરિને ચરણે જાચું રે.

મીરાં બાઈ

[edit] આ પણ જુઓ