ભડલીવાક્યો
From Wikisource
- (સાખી)
નામ ગણાવે ગરભનું, જોયે એમ સહદેવ;
ગરભ કહે તે જાણજો, માસમાસમાં એવ.
(ચોપાઈ)
વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત;
ધનુષ અને પરિવેશે ભાણ, હિમ પડે દશ ગરભ પ્રમાણ.
[અર્થ]
કારતક-માગશરથી વરસાદનો ગર્ભ બંધાવવા લાગે છે. એ ગર્ભનાં લક્ષણો જોઈને ૧૩૫ દિવસ બાદ ક્યારે કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહિ થાય તે કહી શકાય છે. વાદળ, વાયુ, વીજળી, વરસાદ, આકાશના કાડાકા, ગર્જના, ઝાકળ પડવું, મેઘધનુષ, સૂર્ય પર મંડળ થવું અને હિમ પડવું એ દશ લક્ષણ વરસાદના ગર્ભનાં છે.
- (ચોપાઈ)
કાર્તક સુદ બારસે દેખ, માગશર સુદ દશમી તું પેખ,
પોષ સુદ પાંચમ વિચાર, માઘ સુદિ સાતમ નિરધાર;
તે દિન જો મેઘો ગાજંત, માસ ચાર અંબર વરસંત.
ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાખી પડવો ગણી લીજ;
એહ દિન જો ગાજે મેહ, લાભ સવાયો નહિ સંદેહ.
[અર્થ]
કારતક સુદિ બારસ, માગશર સુદિ દશમ, પોષ સુદિ પાંચમ અને મહા સુદિ સાતમે જો મેઘ ગાજે તો ચોમાસામાં ચારે માસ વરસાદ થાય. તેવી જ રીતે ફાગણની પાંચમ, ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિને મેઘ-ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવું. આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણપક્ષની સમજવી. જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે, તેવી જ રીતે અમુક કારણો પેદા થતાં તે ગળી પણ જાય છે. તે વિષેની વિગતો માસવાર ભડલીનાં વાક્યોમાં આપી છે.
- [પોષ માસ માટે ભડલી વાક્યો ]
પોષ સુદિની સપ્તમી ને આઠમે ગાજ.
ગર્ભ હોય તે જાણજો, સરશે સઘળાં કાજ.
[અર્થ]
પોષ સુદિ સાતમ અને આઠમે મેઘ ગાજે તો ગર્ભ બંધાયો સમજવો અને તેનાથી સઘળાં કાર્ય સિદ્ધ થશે – ચોમાસામાં સારો વરસાદ થશે. પોષ વદિ સાતમે વાદળ હોય પણ વરસાદ ન થાય તો શ્રાવણી પૂનમે ચોક્કસ વરસાદ થાય. પોષ વદિ દશમે વાદળ અને વીજળી થાય અને પોષ વદિ તેરસે ચારે તરફ વાદળ થાય તો શ્રાવણની પૂનમ તથા અમાસે સારો વરસાદ થાય. પોષની અમાસે મૂળ નક્ષત્ર હોય અને ચારે તરફથી વાયુ વાય તો જરૂરથી છાપરાં બાંધી લેવાં; કારણ કે ખૂબ વરસાદ પડશે. પોષની અમાસે શનિ, રવિ કે મંગળ આવે તો અનાજ બમણું, ત્રમણું અને ચારગણું મોંઘું થાય. સોમ, શુક્ર અને ગુરુ હોય તો લોકો સુખી થાય. ધનનો સૂરજ હોય ત્યારે મૂળ વગેરે નવ નક્ષત્રોમાં વાદળ થાય તો ચોમાસે વરસાદ સારો થાય એમ સમજવું. પોષ માસમાં વીજળીઓ થાય, મેઘ ગાજે અને વરસે તો વરસાદનો ગર્ભ બંધાયો તેમ જાણવું. પોષની પૂનમે મેઘ ગાજે અને આકાશમાં વીજળીઓ ઝબૂકે તો ભડલી કહે છે કે, માત્ર બીજનો જ સંઘરો કરો. અર્થાત વરસ સારું પાકશે.
- [નક્ષત્રવિચાર]
(ચોપાઈ)
અશ્વિની ગળતાં અન્નનો નાશ,
રેવતી ગળતાં નવ જળ આશ;
ભરતી નાશ તૃણનો સહી,
વરસે જો કદી કૃતિકા નહીં.
[અર્થ]
અશ્વિનીમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય અને રેવતીમાં પડે તો પાણીની આશા ન રાખવી. ભરણીમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય. પણ કૃત્તિકા નક્ષત્ર ન વરસે તો જ આ ખરાબ ફળ મળે છે. જો કૃતિકામાં વરસાદ પડે તો અગાઉનાં ત્રણે નક્ષત્રોના દોષ મટી જાય છે. કૃતિકામાં છાંટા થાય તો કલ્યાણકારી ગણાય છે. ભરણીમાં વરસાદ પડે તો તે બહુ ખરાબ ગણાય છે. કહેવત છે કે : ‘જો વરસે ભરણી તો નાર મેલે પરણી’ ભરણી વરસે તો એવો ભયંકર દૂકાળ પડે કે ખુદ સ્વામી સ્ત્રીને ત્યજીને જતો રહે. કૃત્તિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આગલાં ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે, એવી પણ રાજસ્થાનમાં કહેવત છે.
- [હોળીના પવન વિશે]
ફાગણ સુદિ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે ધજા રોપીને પવન જોવાનો રિવાજ પરાપૂર્વથી છે. તે પવન ઉપરથી સુકાળ કે દુકાળનું સૂચન ભડલી નીચે પ્રમાણે કરે છે.
(ચોપાઈ)
હોળી દિનનો કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પૂરવનો વાય, કોરો ને કંઈ ભીનો જાય;
દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઊપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પર પાણી બહુ જોય;
જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય.
જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાય;
ફાગણની પૂનમને દિન, હોલી સમયે પારખ કીન.
[અર્થ]
હોળીના દિવસના પવન ઉપરથી શુભાશુભ ફળનો વિચાર કરવો. જો પશ્ચિમનો વાયુ વાતો હોય તો તે ઉત્તમ ફળ આપનારો જાણવો. જો પૂર્વનો વાયુ હોય તો વરસ કાંઈક સૂકું અને કાંઈક વરસાદવાળું નીવડે. દક્ષિણનો વાયુ હોય તો પશુધનનો નાશ થાય અને ઘાસ બરોબર ન થાય. ઉત્તરનો પવન હોય તો બહુ વરસાદ થશે એમ જાણવું. પવન ચારે તરફ ઝંકોરાય તો પ્રજા દુ:ખી થાય અને રાજા ઝૂર્યા કરે. જો પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધ થાય.
- [વૃષ્ટિનાં લક્ષણ]
(સાખી)
જળચર જળ ઉપર ભમે, ગો નભ ભણી જોવંત;
ભડલી તો એમ જ ભણે, જળધર જલ મેલંત.
પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય;
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.
હોય પાણી કળશે ગરમ, ચલ્લીઓ દૂળે ન્હાય;
ઈંડાળી કીડી દીસે, તો વરષા બહુ થાય.
પવન થક્યો તેતર લવે, ગુડ રસી દે નેહ;
ભડલી તો એમ જ ભણે, તે દિન વરસે મેહ.
બોલે મોર મહાતુરો, હોયે ખાટી છાશ;
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ.
[અર્થ]
જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે, ભડલી કહે છે કે, તુરતમાં વરસાદ પડશે. પિત્તળ, કાંસા અને લોઢાને જ્યારે કાળાશ (કાટ) ચઢે ત્યારે જાણવું કે ઝટ વરસાદ થશે. લોટાનું પાણી ગરમ થઈ જાય, ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાવાળી કીડીઓ દેખાય તો તે ભારે વરસાદનાં ચિહન જાણવાં. પવન પડી જાય, તેતર ચીસ પાડે અને ગોળ રસીને ચીકણો થાય તે દિવસે વરસાદ થાય. મોર વારંવાર બોલે અને છાશ ખાટી થાય તો વરસાદ થાય.