ગીતાસાર-૧૮ પાનામાં

From Wikisource
Jump to: navigation, search



ગીતા સાર

ભગવદ ગીતા ટૂંક માં સરળ સાર રૂપે

રજૂઆત

અનિલ શુક્લ

www.sivohm.com


ગીતા મંત્ર

ગીતા નું

બીજ--------------------જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે,અને વાતો બુદ્ધિમાન ના જેવી બોલે છે.(૨-૧૧)

શક્તિ -------------------સર્વ ધર્મ ત્યજીને એક મારે (સ્વ-ધર્મ ,આત્મા)શરણે આવ (૧૮-૬૬)

આધાર ------------- ----તું શોક ના કર ,હું (પરમાત્મા) તને સર્વ પાપો માં થી મુક્ત કરીશ (૧૮-૬૬)



અધ્યાય-૧ -અર્જુન વિષાદ યોગ


કૌરવો એ પાંડવોના રાજ્યભાગ ના હક્ક ની અવગણના કરી, કૃષ્ણ શાંતિદૂત બન્યા પણ સમજાવટ અસફળ રહી , રાજ્યભાગ માટે યુદ્ધ નો આરંભ થયો. યુદ્ધની વચ્ચે ઉભેલા રથમાં અર્જુન અને સારથી કૃષ્ણ છે.

અર્જુને સામે લડનારા ઓ માં પોતાના સગા -સંબંધી ઓ ને જોયા (૨૬)

અને વિચારમાં પડી ગયો કે-- સ્વજનોનો વધ કરી મળેલી રાજ્ય પ્રાપ્તિ થી કયો આનંદ મલશે? ખેદ-શોક થયો .અને તેનું શરીર ઢીલું પડી ગયું ,મુખ સુકાણું અને શરીર માં કંપ થયો (૨૯)

અને કૃષ્ણ ને કહે છે કે--

"સામે ઉભેલા સગા-સંબધીઓ ભલે મને મારી નાખે પણ ત્રણે લોક ના રાજ્ય માટે પણ હું તેમણે મારવા ઇચ્છતો નથી (૩૫)

કારણકે કુળનો નાશ થતા કુલ ધર્મો નાશ પામે છે. કુળધર્મ નાશ થતાં કુળ અધર્મ માં દબાઈ જાય છે.(૪૦)

આમ શોક(વિષાદ) થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી બેસી ગયો (૪૭)



અધ્યાય-૨ -સાંખ્યયોગ


કૃષ્ણ કહે છે કે-જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તુ શોક કરે છે.અને વાતો બુદ્ધિમાન ના જેવી બોલે છે. પણ જે જ્ઞાની છે તે મરેલા(ગયેલાઓનો) કે જીવતા(નથી ગયા તેનો) નો શોક કરતા નથી.(૧૧)

આમ કહી તેમણે આત્મા નું -આત્માના અમરત્વ નું જ્ઞાન (સાંખ્ય,વેદાંત) આપવાની શરૂઆત કરી---

હે અર્જુન તુ અજ્ઞાન ના ઘોર અંધકારમાંથી જાગ.તુ બધા શરીરોને જુએ છે-- કે જે જન્મે છે અને મરે પણ-- શરીર માં રહેલ આત્મા કદી ઉત્પન્ન થતો નથી કે મરતો નથી.જેથી શરીર નો વધ થવાથી આત્મા નો નાશ નથી થતો .આવું આત્મા નું અવિનાશી,નિત્ય ,અજન્મા,અને અવિકૃત રૂપ જે જાણી જાય છે તે સમજી શકે છે કે ----

આત્મા ને કોઈ મારનાર નથી કે મરાવનાર નથી. જેમ જુનાં વસ્ત્રો ઉતારી નવા વસ્ત્રો ધારણ કરાય છે તે પ્રમાણે આત્મા એક દેહ નો ત્યાગ કરી અન્ય શરીર નો સ્વીકાર કરે છે.(૨૦,૨૧,૨૨)

હવે કૃષ્ણ સ્વ-ધર્મ ની વાત કરે છે--હે અર્જુન -તુ તારી ફરજ નિભાવ.એક ક્ષત્રિય તરીકે તારે તારી ફરજ કે - જે યુદ્ધ- છે તે કરવું જોઈએ. કારણકે એક ક્ષત્રિય માટે --ધર્મ માટે યુદ્ધ કરવું -તેના કરતા કશું એ વિશેષ નથી.(૩૧)

જય-પરાજય,સુખ -દુઃખ,લાભ-હાનિ આ સર્વ ને સમાન ગણી યુદ્ધ માટે તૈયાર થા એટલે તને કોઈ પાપ લાગશે નહી (૩૮)

આમ -જ્ઞાન અને -સ્વ-ધર્મ -ની વાત પછી કૃષ્ણ “કર્મ ના જ્ઞાન “ ની વાત ની વાત કરે છે.

હે અર્જુન તુ કર્મ નો જ (સ્વ-ધર્મ રૂપી યુદ્ધ ) અધિકારી છે,ફળ નો અધિકારી બનીશ નહી, અને કર્મ ફળ ની ઈચ્છા પણ કરીશ નહી.અને કર્મ નથી કરવું તેવો આગ્રહ પણ રાખીશ નહી.(૪૭)

"હું કર્મ કરું છું"તેવા અભિમાન નો ત્યાગ અને ફળ ની ઈચ્છા નો પણ ત્યાગ કરીને(અનાશક્ત થઈને) શરુ કરેલું કર્મ પાર પડે કે ના પડે તો પણ તેનો હર્ષ કે શોક કરીશ નહી.

સિદ્ધિ -અસીદ્ધિ માં સમતા થવી એને જ યોગ કહે છે.(૪૮)

અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને ભ્રમ માં પડેલી બુદ્ધિ જયારે સ્થિર થાય(સ્થિત-પ્રજ્ઞ) થાય ત્યારે સમતા રૂપી યોગ પ્રાપ્ત કરી શકીશ (૫૩)

કૃષ્ણ છેલ્લે સ્થિતપ્રજ્ઞ(સ્થિર બુદ્ધિ) ના લક્ષણો વર્ણવે છે.

જયારે મનુષ્ય મન માં રહેલી સર્વ કામના ઓ ત્યજી દે છે.અને આત્મા વડે આત્મા માં જ સંતોષ પ્રાપ્ત કરે છે.ત્યારે તે સ્થિત-પ્રજ્ઞ કહેવાય છે.(૫૫)

દુઃખ માં મન ઉદ્વિગ્ન ના થાય અને સુખમાં નિસ્પૃહ(અનાશક્ત) રહે,રાગ,ભય,ક્રોધ વગરનો હોય,સર્વત્ર સ્નેહ રાખતો હોય,અને સર્વ ઇન્દ્રીઓને ,ઇન્દ્રીઓના વિષય માં થી સમેટી લે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.(૫૬-થી-૫૮)


અધ્યાય-૩-કર્મ યોગ


અર્જુન કહે છે –આપ જો જ્ઞાન ને કર્મ કરતાં કર્મ ને વધારે સારું માનો છો તો મને આવા હિંસક કર્મ માં કેમ જોડો છો?આવું ગૂંચવણ ભર્યું બોલીને મને મૂંઝવો છો.મને કોઈ એક નિશ્ચિત વાત કહો (૧-૨ )

કૃષ્ણ કહે છે કે-આ દુનિયા માં બે માર્ગો છે.-વિચાર કરનારા ઓ (સાંખ્યો)માટે જ્ઞાન યોગ અને કર્મ કરનારાઓ (યોગીઓ) માટે કર્મ યોગ(૩)કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી,પ્રકૃતિ (સાત્વિક,રાજસિક,તામસિક)ના ગુણો ને પરવશ દરેક ને કર્મ કરવા પડે છે.(૫)

અનાશક્ત ભાવથી અને નિષ્કામ બુદ્ધિથી સતત યોગ્ય કર્મ કરતાં રહી શ્રેષ્ઠ પરુષો જેવાકે મહારાજા જનક- જ્ઞાની હોવા છતાં પણ પરમ પદ પામ્યા હતા. શ્રેષ્ઠ પુરુષો જે જે કર્મો કરે તે લોકો માટે ઉદાહરણ બને છે.અને તે જો કર્મો ના કરે તો લોકો તેનું અનુકરણ કરે અને સામાન્ય જીવન નિર્વાહ ની સમાજ વ્યવસ્થા વિખરાઈ જાય. મારે આ ત્રણે લોક માં કશું મેળવવાનું નથી છતાં હું કર્મ કરું છું.(૧૯-૨૪)

સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણો ના લીધે થાય છે.પણ અહંકારી મનુષ્ય એમ માને છે કે ‘સર્વ કર્મો હું જ કરું છું’(૨૭)જયારે જ્ઞાની મનુષ્ય પ્રકૃતિના ગુણોના વિભાગો અને તેથી થતા કર્મો ને જાણી-શાંત રહી–કર્મો કરીને પણ તેમાં આશક્ત થતો નથી (૨૮)

પ્રકૃતિ મુજબ કર્મો કરવાનો નિષેધ નથી પણ કર્મો કરતાં કરતાં માનવી મળેલા ફળ માં આશક્ત (રાગ) થાય છે.અને બીજા ઓ ને પાસે કર્મ નું ફળ વધુ છે તેનો દ્વેષ કરતો થઇ જાય છે. આ રાગ-દ્વેષ ને વશ ના થવું કારણકે તે અધ્યાત્મમાર્ગ ના વિઘ્નો છે.(૩૪)

પોતાની ફરજ સારી રીતે બજાવી કલ્યાણકારક સ્વ-ધર્મ નું આચરણ કરવું જોઈએ.(૩૫)

અર્જુન --જીવ ને વિષયોની ઈચ્છા ના હોવા છતાં કોણ એને ધકેલીને પાપાચાર કરાવે છે?(૩૬)

કૃષ્ણ--રજોગુણ થી ઉત્પન્ન થનારો ‘કામ’રૂપ અગ્નિ મનુષ્યનો નિત્ય નો વેરી છે.તે જ્ઞાની નું વિવેક્જ્ઞાન ઢાંકી દે છે.(૩૭-૩૯)

ઇન્દ્રિયો ,મન અને બુદ્ધિ આ કામ ના આશ્રય સ્થાન છે.અને શરીરધારી માનવી ને ‘મોહ’ માં નાખે છે.જેથી તેનો ત્યાગ આવશ્યક છે.(૪૦-૪૧)

શરીર થી ઇન્દ્રિયો પર છે,ઇન્દ્રિયો થી મન પર છે,મન થી બુદ્ધિ પર છે.અને બુદ્ધિ થી પર ‘આત્મા’ છે. (૪૨)

માટે આ આત્માને બુદ્ધિ થી જાણી,બુદ્ધિ થી મનને વશ કરી,ઇન્દ્રિયો ‘વિષય’-‘કામ’રૂપી શત્રુનો તરત જ નાશ કર (૪૩)



અધ્યાય-૪-જ્ઞાન-કર્મ-સન્યાસ યોગ


કૃષ્ણ—આ કર્મયોગ મેં પહેલાં સૂર્યને કહેલો.સૂર્યે મનુને અને મનુએ ઇક્ષ્વાકુ ને કહેલો.જે પુષ્કળ કાળના વહી ગયા પછી નષ્ટ થયેલો જે આજે ફરીથી હું તને કહું છું.

અર્જુન— સૂર્ય તો પ્રાચીન કાળનો છે.તો તમે તેને આ યોગની વાત કહી હતી તે સાચી કેમ માની શકું?

કૃષ્ણ—મારે જન્મ અને મૃત્યુ નથી.પણ મારી પોતાની પ્રકૃતિ અને માયાથી જયારે જયારે ધર્મ (સત્યો)નો નાશ અને અધર્મ (અસત્યો)ની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ધર્મ ના રક્ષણ અને અધર્મ ના નાશ માટે દરેક યુગમાં ‘દેવ’રૂપે માનવ અવતાર લઉં છું. માનવીઓ અજ્ઞાનતાથી આ વાત ભૂલી મને માત્ર જુદા જુદા દેવ (દેવી)રૂપે જ ઓળખે છે.(૬-૧૧)

જે મનુષ્ય કર્મ માં અકર્મ અને અકર્મ માં કર્મ ને જુએ છે તે બુદ્ધિમાન,યોગી છે.(૧૮)

જે કર્મો નો આરંભ –સંકલ્પ અને ફળ ની ઈચ્છા વગરનો હોય—અને—જે કર્મો ને ‘જ્ઞાન’ ના અગ્નિ થી બાળી નાખે છે તે જ્ઞાની-યોગી-પંડિત છે.(૧૯)

આત્માનંદ માં તૃપ્ત અને-- ફળની ઈચ્છા નો,આશાનો તથા સંગ્રહ નો ત્યાગ કરી અનાયાસે જે મળે તેમાં સંતોષ માનનાર તથા હું અને મારું એવા દ્વંદ થી દૂર,સફળતા-અસફળતા અને રાગ દ્વેષ થી દૂર --રહેતો મનુષ્ય સંપૂર્ણ કર્મ કરતો હોવા છતાં કર્મો ના બંધન થી લેપાતો નથી.(૨૦-૨૨)

જુદી જુદી જાતના યજ્ઞો માં યજ્ઞ નું સાધન,યજ્ઞ નું દ્રવ્ય,યજ્ઞનો અગ્નિ,યજ્ઞ કરનાર,યજ્ઞ ની પ્રક્રિયા અને યજ્ઞ નું ફળ –આ બધું જ ‘બ્રહ્મ’ છે.—એવું માનવું તે જ્ઞાનયજ્ઞ છે,જે શ્રેષ્ઠ યજ્ઞ છે.(૨૪-૩૩)

જે રીતે અગ્નિ લાકડાને બાળી નાખે છે તેમ ‘જ્ઞાન-અગ્નિ’—કર્મોને બાળી નાખે છે.(૩૭)

પરમ શ્રદ્ધાવાન ,જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પર,અને જીતેન્દ્રિય પુરુષ ‘જ્ઞાન’ ને પ્રાપ્ત થાય છે.અને -જે-થી પરમ શાંતિ મળે છે(૩૯)

અને આવા આત્મજ્ઞાનીને કર્મ નું બંધન પ્રાપ્ત થતું નથી (૪૧)

હે અર્જુન ,અજ્ઞાનથી પ્રાપ્ત થયેલા હૃદય ના આ ‘શંશય’ ને

“જ્ઞાન રૂપી” શસ્ત્રથી વધ કરી -- સર્વ ઈશ્વરને અર્પણ કરનાર “કર્મ યોગ” નું પાલન કર અને યુદ્ધ માટે ઉભો થા (૪૨)


અધ્યાય-૫-કર્મ સન્યાસ યોગ


અર્જુન –તમે કર્મોના સન્યાસ અને કર્મયોગ બન્નેની પ્રશંસા કરો છો,માટે આ બન્ને માં થી સારું શું તે મને નિશ્ચિતપણે કહો.(૧)

કૃષ્ણ---આ બન્ને મોક્ષદાયક છે,પરંતુ બન્નેમાંથી કર્મયોગ –કર્મસન્યાસ યોગ કરતાં વધારે ઉંચો છે (૨)

અજ્ઞાનીઓ જ સાંખ્ય અને (કર્મ)યોગ ને જુદા કહે છે.જો કોઈ પણ - એકમાં પણ સારી રીતે સ્થિર થાય તો તેને બન્ને નું ફળ મળે છે (૪)

ઇન્દ્રિયોના બધા કર્મો કરતો હોવા છતાં પણ –‘ઇન્દ્રિયો પોતપોતાના વિષય માં પ્રવૃત થાય છે’ એમ સમજીને ‘હું કાંઈ જ કરતો નથી’ એવું યોગયુક્ત તત્વવેતા માને છે.(૮-૯)

જગત માટે ઈશ્વર –કર્તાપણું કે કર્મ ઉત્પન્ન કરતો નથી,અને નથી કર્મ અને ફળને જોડતો. કાર્ય કરનાર પ્રકૃતિ(માયા) છે. (૧૪)

ઈશ્વર નથી કોઈના પાપ લેતો કે નથી કોઈના પુણ્ય લેતો .(૧૫)

પરબ્રહ્મ માં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે,જે પરબ્રહ્મને જ પોતાનો આત્મા માને છે,અને પરબ્રહ્મ માં જ પૂર્ણ નિષ્ઠા રાખે છે એવા યોગી ને આત્મજ્ઞાન નું સુખ મળે છે.અને તેના પાપ નષ્ટ થાય છે.અને તે એવા સ્થળે જાય છે જ્યાંથી પાછા ફરવાનું રહેતું નથી.(૧૭)

બ્રાહ્મણ,ગાય,કૂતરાં અને ચાંડાલ ,--આ સર્વ માં આત્મનિષ્ઠ પુરુષ બ્રહ્મ ને જુએ છે.(૧૮)

બાહ્ય વિષયોમાં આશક્તિ નહી હોવાથી તેને આત્મા માં સુખ જડે છે. અને બ્રહ્મ ના ચિંતન માં રહીને તે અનંત સુખ મેળવે છે.(૨૧)

ઇન્દ્રિયો અને તેના વિષયોના સંયોગ થી થનારા ભોગો (સુખાનુભવ)—તે સર્વ –ઉત્પત્તિ અને નાશ ને આધીન હોવાથી તે પાછળથી દુઃખ ના કારણ બને છે. એટલે જ્ઞાની પુરુષો તેમાં આનંદ માનતા નથી.(૨૨)

બાહ્ય વિષયો (શબ્દો-વગેરે)ને હૃદય માંથી બહાર કાઢી નાખી,----

ભ્રકૃટી માં દ્રષ્ટિ સ્થાપન કરી---

નાકમાં પ્રાણ-અપાન ને સમાન કરી ,----

ઇન્દ્રિયો,મન,બુદ્ધિ ને પોતાના વશ માં લઇ ,---

ઈચ્છા ,ભય,અને ક્રોધ નો નાશ કરી ---

જે યોગી મોક્ષ ને જ પોતાનું અંતિમ ધ્યેય માને છે,તે સદા મુક્ત જ છે.(૨૭-૨૮)


અધ્યાય-૬ --અધ્યાત્મ યોગ


કૃષ્ણ કહે છે કે –ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.સંકલ્પ નો સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે.

તેજ યોગી યોગ પ્રાપ્ત કરે પછી ‘શમ’(કર્મત્યાગ) એ ‘સાધન’ છે (૧-૩)

માનવે આત્મા વડે જ આત્મા નો ઉદ્ધાર કરવો,પોતાના આત્માને અધોગતિ તરફ લઇ જવો નહિ,કારણકે આત્મા જ આત્માનો મિત્ર અને આત્મા જ આત્માનો શત્રુ છે.માટે આત્મા વડે આત્મા ને જીતવો જોઈએ .(૫-૬)

પવિત્ર પ્રદેશ માં આસન લગાવી,મનને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,સ્થિર થઇ,--શરીર ,મસ્તક અને ગરદન ને સીધા રાખી –નાસિકના અગ્ર પર દ્રષ્ટિ રાખી ,નિર્ભય થઇ,બ્રહ્મચર્ય વ્રત આદરી,--પ્રભુનું ચિંતન અને પ્રભુ પારાયણ થઇ ,--ધ્યાનસ્થ થઇ યોગાભ્યાસ કરવો જોઈએ (૧૧ -૧૪)

અતિ આહાર ,અતિનિદ્રા કે નિરાહાર અને અતિજાગ્રત રહેનાર ને યોગ સાધ્ય નથી.પ્રમાણસર સમતા રાખવી જોઈએ (૧૬-૧૭)

સંકલ્પ થી થનાર વાસનાનો ત્યાગ,મનથી ઈન્દ્રિયોને જીતી આત્મ સ્વ-રૂપમાં સ્થિર થવું.અને અસ્થિર,ચંચળ મન જે જે સ્થળે જાય ત્યાંથી તેને નિગ્રહ વડે આત્મ સ્વ-રૂપમાં સ્થિર કરવું.(૩૫-૩૬ )

જેની સર્વત્ર સમદ્રષ્ટિ થઇ જાય તેવો યોગી સર્વ ભૂતોમાં પોતાના આત્માને જુએ છે અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુએ છે.તેની દ્રષ્ટિ થી હું દૂર થતો નથી અને મારી દ્રષ્ટિ થી તે દૂર થતો નથી.(૨૯-૩૦)

અર્જુન—હે કૃષ્ણ ,તમે આ સમત્વ યોગ કહ્યોપણ આ મન અતિ ચંચળ છે અને તેનો નિગ્રહ કરવો તે વાયુને અટકાવવા જેવું અઘરું છે.(૩૪)

કૃષ્ણ –હે અર્જુન,તારી વાત સાચી છે.પણ ‘અભ્યાસ ‘અને ‘વૈરાગ્ય ‘ થી એ મન સ્વાધીન થઇ શકે છે.(૩૫)

અર્જુન—હે કૃષ્ણ ,શ્રધ્ધાવાળો હોવા છતાં જાત પર કાબુ ના રાખી શકતો હોય અને જેનું મન ,યોગ થી દૂર ભટકતું હોય તેની શી ગતિ થાય છે?

કૃષ્ણ—હે અર્જુન,યોગની ઈચ્છા રાખનાર અને સત્કૃત્યો કરનાર દુર્ગતિ પામતો નથી પણ ફરીથી તે પવિત્ર અને શ્રીમંત કુટુંબ માં જન્મે છે,અને પુનર્જન્મ ની યોગ બુદ્ધિ નો ફરી વિકાસ કરી યોગ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.(૪૩-૪૪ )

તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન,તું યોગી થા.(૪૬)


અધ્યાય -૭-જ્ઞાનવિજ્ઞાન યોગ


કૃષ્ણ—હે અર્જુન,જે જાણીને તારે બીજું કૈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન,વિજ્ઞાન સહિત તને કહું છું.

હજારો મનુષ્ય માં કોઈ એક જ મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે.અને આ પ્રયાસ કરનારાઓમાં કોઈ એકાદ જ મને સત્ય સ્વરૂપે ઓળખી શકે છે.(૨-૩ )

પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત મારી પ્રકૃતિ છે.જેને -અપરા પ્રકૃતિ -પણ કહેછે.

આનાથી ભિન્ન એવી મારી જે -જીવભૂત- પરા પ્રકૃતિ -છે,જેના થી આ જગત ધારણ કરાયેલું છે.

આ બન્ને પ્રકૃતિ ઓ દ્વારા હું ઉત્પત્તિ અને સંહાર નું કાર્ય કરું છું.મારાથી શ્રેષ્ઠ કાંઇજ જ નથી.દોરીમાં મણકા પરોવાયેલા હોય છે તેમ –સર્વ જગત મારામાં ગુંથાયેલું છે. (૪-૫-૬)

સાત્વિક,રાજસિક અને તામસિક (ત્રિગુણાત્મક)વિકારો મારાથી જ ઉત્પન્ન થયેલા છે. તેમના માં હું નથી પણ તે મારામાં છે. આ વિકારોથી (માયાથી)જગત મોહિત થાય છે.અને ગુણો થી પર એવા મને ઓળખી શકતું નથી. આ માયાને પાર કરવી મુશ્કેલ છે.જે મારે શરણે આવે છે તે જ આ માયાને તરી જાય છે.(૧૨-૧૩-૧૪)

ચાર પ્રકારના લોકો મને ભજે છે.આર્ત (રોગથી પીડિત),જિજ્ઞાસુ(ભગવત્ત તત્વ ને જાણવા ઇચ્છનાર),અર્થાર્થી(ભોગ ઇચ્છનાર) ને જ્ઞાની (૧૬)

આ સર્વેમાં જ્ઞાની ને હું અત્યંત પ્રિય અને તે મને અત્યંત પ્રિય છે,તે મારો આત્મા છે.”સર્વ કૈ વાસુદેવ સ્વરૂપ છે”એવું જ્ઞાન જેને પ્રતીત થયું છે ,તેને મારી પ્રાપ્તિ થાય છે.અને આવો મહાત્મા મળવો અતિ દુર્લભ છે.(૧૬-૧૯)

અજ્ઞાની લોકોને મારા ઉત્કૃષ્ટ,અવિનાશી અને અતિ ઉત્તમ ભાવની જાણ થતી નથી અને હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે.(૨૪)

યોગમાયાથી આવૃત થયેલો એવો જે હું –તે સર્વ ને સ્પષ્ટ દેખાતો નથી એથી તે મને જાણતા નથી(૨૫)

‘ઈચ્છા’ અને ‘દ્વેષ’ થી ઉત્પન્ન થતા ‘સુખદુઃખ’રૂપી દ્વંદ ના મોહથી ભ્રમિત થયેલા આ જગતના માનવીઓ ભુલાવામાં રહે છે.દેવતાઓનું પૂજન કરીને દેવતાઓને મળે છે.દેવતાઓ થી પ્રાપ્ત થનારું ફળ નાશવંત હોય છે જયારે મારા ભક્તો મને આવી મળે છે.(૨૩)

જે યોગીઓ અધિભૂત (મહાભુતોમાં રહેલા),અધિદૈવ (દેવોમાં રહેલા),અને અધિયજ્ઞ (યજ્ઞ માં રહેલા) સાથે મને જાણે છે તે મૃત્યુ સમયે પણ સ્થિર મનવાળા રહીને મને જાણે છે.(૩૦)



અધ્યાય-૮ -અક્ષરબ્રહ્મ યોગ


અર્જુન-હે કૃષ્ણ ,તે બ્રહ્મ, શું છે?અધ્યાત્મ શું છે?કર્મ શું છે?અધિભૂત,અધિદૈવ,અધિયજ્ઞ શું છે? એકાગ્ર ચિત્ત વાળાઓ મરણ કાળે તમને શી રીતે જાણે છે?(૧-૨)

કૃષ્ણ –હે અર્જુન ,--અક્ષર,અવિનાશી પરમાત્મા ‘બ્રહ્મ’ કહેવાય છે . તેનો ‘સ્વ-ભાવ’(ચૈતન્ય-આત્મા) ’અધ્યાત્મ’ કહેવાય છે.અને

પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયા તે ‘કર્મ’ કહેવાય છે.

નાશવાન પદાર્થ (શરીર) ‘અધિભૂત’ છે,

હિરણ્ય ગર્ભ પુરુષ (ચૈતન્ય ને આપનાર) ‘અધિ દૈવ’ છે.અને

શરીરમાં ચૈતન્ય રૂપે (આત્મા રૂપે ) ‘અધિ યજ્ઞ” છે.(૩-૪)

મરણ વખતે મારું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય તે મારા સ્વરૂપ ને પામે છે તેમાં કોઈ શંકા નથી.અથવા મનુષ્ય અંતકાળે જે વસ્તુ(ભાવના) ને યાદ કરતો શરીર છોડે છે ,તેને જ તે પામે છે.કારણ કે તે મનુષ્ય સદા ‘તેવી’ ભાવના વાળો હોય છે.(૫-૬)

ઇન્દ્રિયોના સર્વ દ્વારો નો નિરોધ કરી,મનને હૃદય માં સ્થિર કરી ,કપાળમાં ભ્રકુટી ના મધ્ય ભાગમાં પોતાના પ્રાણવાયુને સ્થિર કરી જે પુરુષ ‘ઓમ’ એવા એકાક્ષર નો જપ કરતો અને મારું સ્મરણ કરતાં દેહ છોડે છે,તે પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૧૨-૧૩)

બ્રહ્મ લોક પર્યત્ન ના સર્વ લોક ,ઉત્પત્તિ અને વિનાશ ને આધીન છે.પણ માત્ર મારી પ્રાપ્તિ પછી પુનર્જન્મ થતો નથી.(૧ ૬)

જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થઇ જાય અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે,તે પરમ પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિ વડે જ પ્રાપ્ત થાય છે.(૨૨)

શુક્લ અને કૃષ્ણ એવી બે ગતિ મનાય છે.એકથી(દેવયાન)જનાર યોગીને પાછા આવવું પડતું નથી જયારે બીજીથી(પિતૃયાન) જનાર યોગીને પાછા આવવું પડે છે. આ બે માર્ગ ને જાણનાર યોગી મોહ માં પડતો નથી.(૨૬-૨૭)

વેદ,તપ,યજ્ઞ અને દાન દ્વારા થતી જે પુણ્યફળ ની પ્રાપ્તિ બતાવી છે, તે સર્વ પુણ્યપ્રાપ્તિ થી પણ આગળ વધીને યોગી આદિ અને ઉત્કૃષ્ટ સ્થાન ને પ્રાપ્ત થાય છે.(૨૮)



અધ્યાય-૯-રાજ વિદ્યા –રાજગુહ્ય યોગ


હવે હું તને ગૂઢ માં ગૂઢ(ગુહ્ય) જ્ઞાન ,વિજ્ઞાન સહિત કહું છું,

જે જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા છે ,

સર્વ ગુઢતા માં શ્રેષ્ઠ,પવિત્ર,ઉત્તમ,ધર્મમય,સુખદ,પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવું અને મેળવવામાં સરળ છે.(૧-૨)

(નોધ-ધર્મ વિષયક જ્ઞાન =ગુહ્ય જ્ઞાન ,આત્મ જ્ઞાન =ગુહ્યતર,પરમાત્મ જ્ઞાન=ગુહ્યત્તમ )

હું અવ્યક્ત સ્વરૂપ છું અને સકળ વિશ્વ મારાથી વ્યાપ્ત છે.મારામાં સર્વ જીવો રહેલાં છે,પણ હું તેમનામાં સ્થિત નથી.( ૪)

જે રીતે સર્વ ગામી વાયુ આકાશ માં રહેલો છે,તેવી રીતે સર્વ જીવો મારામાં રહેલાં છે.(૬)

મારી ત્રિગુણાત્મક પ્રકૃતિનો આશ્રય લઇ --‘સ્વ-ભાવ થી પરાધીન’ એવા ‘સર્વ જીવોને’ ,કલ્પ ના અંતે હું ફરી થી ઉત્પન્ન કરું છું (૭)

ખોટી આશા,ખોટા કર્મ અને ખોટું જ્ઞાન વાળા અજ્ઞાની જનો- અસુર જેવા-- મોહ માં ફસાવનાર –તામસી –સ્વભાવ ને ધારણ કરનારા હોય છે. જયારે દૈવી પ્રકૃતિ નો આશ્રય લેનારા ભક્ત જનો મને અક્ષર (નાશ વગરના)સ્વરૂપ નો જાણી ,મને ભજે છે.(૧૨-૧૩)

જે મનુષ્યો અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મને ઉપાસી,નિત્ય મારામાં તત્પર રહે છે તેમના જીવન નો ભાર હું ઉઠાવું છું.(૨૨)

જે મને ભક્તિ પૂર્વક પત્ર,પુષ્પ,ફળ,પાણી વગેરે અર્પણ કરે છે,તે શુદ્ધ ચિત્ત વાળાના પદાર્થો હું ગ્રહણ કરું છું.(૨૬)

તું જે ખાય છે ,જે કરે છે,જે હોમે છે,જે દાન કરે છે,જે તપ કરે છે તે સર્વ મને અર્પણ કર (૨૭)

અત્યંત દુરાચારી પણ જો અનન્ય ભાવથી મને ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો,કારણ કે તે મારામાં નિશ્ચય વાળો હોય છે.તે સત્વર જ ધર્માત્મા થાય છે ,શાંતિ ને પ્રાપ્ત થાય છે, મારો ભક્ત કદી પણ નાશ પામતો નથી તેવું તું નિશ્ચય પૂર્વક જાણ.(૩૦-૩૧)

તું મારામાં ચિત્ત રાખ,મારો ભક્ત થા,મને પૂજનારો થા,અને મને નમસ્કાર કર.આ પ્રકારે મારા પારાયણ થયેલો તું નિશંક મને જ પામીશ.(૩૪)



અધ્યાય-૧૦ -વિભૂતિ યોગ


કૃષ્ણ—હે અર્જુન ,તું ફરી વાર મારું ઉત્તમ વચન સાંભળ. મહર્ષિ કે દેવતાઓ પણ મારા પ્રભાવ ને જાણતા નથી, કેમકે ‘જ્ઞાન’ તથા ‘શક્તિ’ આદિનું મૂળ કારણ હું છું.(૧-૨)

સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે. ચૌદ મનુ ઓ મારા મન થી જ ઉત્પન્ન થયેલા છે અને તેમની પ્રજા પણ મારી જ છે.(૫-૬)

‘સર્વ ની ઉત્પત્તિ નું કારણ હું જ છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે’ એમ સમજી જ્ઞાનીજનો નિરંતર મને જ ભજે છે.મારું સ્મરણ કરે છે(૮)

જેમને હું જ્ઞાનયોગ પ્રદાન કરી જ્ઞાનદીપ દ્વારા તેમના અજ્ઞાન નો નાશ કરું છું (૧૧)

અર્જુન-હે કૃષ્ણ ,આપ પોતેજ પોતા વડે પોતાને જાણો છો,આપ આપની વિભૂતિ ઓ વડે બધા લોકમાં વ્યાપીને રહો છો,તે વિભૂતિ ઓ વિષે કહો(૧૬)

કૃષ્ણ—હે અર્જુન,હું સર્વ જીવોના હૃદય માં રહેલ આત્મા છું અને સર્વ જીવો નો આદિ ,મધ્ય અને અંત પણ છું.(૨૧)

આદિત્યો માં વિષ્ણુ,જ્યોતિ માં સૂર્ય ,દેવો માં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને વાણી માં ઓમકાર છું. ટૂંક માં જે પ્રાણવાન છે તેને મારા તેજ થી ઉત્પન્ન થયેલ માન (૨૦-૨૬)

જે જે વસ્તુ વિભૂતિ યુક્ત ,ઐશ્વર્યયુક્ત અને કાંતિ યુક્ત છે તે સર્વ મારા તેજ ના ‘અંશ’ થી ઉપજેલી જાણ(૪ ૧) હું મારા અંશ માત્ર થી સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું.(૪૨)


અધ્યાય-૧૧ -વિશ્વ રૂપ દર્શન યોગ


અર્જુન –હે કૃષ્ણ,આપે મને ઉચ્ચ અધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું તેનાથી મારો મોહ દૂર થયો છે,પણ હવે મને આપનું અવિનાશી રૂપ જોવાની ઈચ્છા છે.(૧-૪)

કૃષ્ણ-હે અર્જુ ન , તું સ્થૂળ ચક્ષુ થી તે જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય ચક્ષુ(દ્રષ્ટિ) આપું છું.તે વડે તું મારું અવિનાશી ,વિશ્વરૂપ ,અને વિરાટ રૂપને જો(૫-૮)

અર્જુને જોયું તો હજારો સૂરજ એક સાથે ઉદય પામ્યા હોય તેવું તેજ આ સ્વરૂપ નું દેખાણું.(૧-૨)

આ વિરાટ,વિશ્વ રૂપ દર્શન માં ભગવાન મુકુટ,ગદા અને ચક્ર વાળા,અતિશય કાંતિવાળા,હજારો હાથ વાળા,હજારો મસ્તકવાળા,હજારો ઉદર વાળા,આદિ,મધ્ય અને અંત વગરના દેખાતા હતા.તેમનાથી પૃથ્વી,આકાશ અને દિશાઓ વ્યાપ્ત થઇ ગયા હતા.વળી તેમના સંહારક રૂપ માં તેમનું મુખ જ્વલંત અગ્નિ નું બનેલું જોઈ અર્જુન ભયભીત પણ થાય છે. (૧૩-૩૧)

‘’હે ,અર્જુન,હું લોકોના વિનાશ કરનાર કાલ સ્વરૂપે અહી પ્રવૃત થયો છું ,તારા વિના પણ આ બધા યોધ્ધાઓ ઓ નાશ પામવાના છે,માટે મોહ ત્યજીને ઉઠ અને શત્રુઓ પાર વિજય મેળવી તું માત્ર નિમિત્ત થા(૩૨-૩૩)

અર્જુન—હે કૃષ્ણ, આપ અનાદિ પુરાણ પુરુષ છો,વિશ્વના લય સ્થાન છો,આપ જાણનાર અને જાણવાયોગ્ય પરમ ધામ છો,આપ વડે સકળ વિશ્વ વ્યાપ્ત છે. (૩૮) પૂર્વે નહિ જોયેલું આ દિવ્ય તેજોમય સ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું,છતાં તમારું સંહારક સ્વરૂપ જોઈ ભયથી મારું મન ઘણું ગભરાઈ ગયું છે.માટે હે દેવ,મને પૂર્વ નું રૂપ દેખાડો(૪૫)

ત્યારે કૃષ્ણે પોતાનું અસલ રૂપ દેખાડ્યું

કૃષ્ણ –હે અર્જુન,તેં જે પ્રકારે મારું વિરાટ દર્શન કર્યું તે પ્રકારે હું વેદો વડે,તપ વડે,દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી,માત્ર અનન્ય ભક્તિ વડે જ એ દિવ્ય રૂપને જાણવા,જોવા,સાક્ષાત્કાર કરવાનું શક્ય છે.(૫૩-૫૪)

જે મારો ભક્ત,મારા માટે કર્મ કરનારો,મને જ શ્રેષ્ઠ માનનારો ,મારા પરાયણ રહેનારો,જેણે સંગ નો ત્યાગ કર્યો છે,અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે,તે મને પામે છે (૫૫)


અધ્યાય-૧૨ -ભક્તિ યોગ


અર્જુન- એ કૃષ્ણ,સાકાર ,સગુણ બ્રહ્મ ની ઉપાસના કરનાર,કે નિરાકાર,નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર,આ બે માં થી ઉત્તમ કોણ?(૧)

કૃષ્ણ-હે અર્જુન,જેઓ મારામાં મન રાખીને, નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,તે શ્રેષ્ઠ યોગી છે (૨)

નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ નીઉપાસના કરનારા દેહધારી પુરુષોને ઉપાસના નું (દમન નું) કષ્ટ થાય છે.અને અવ્યક્ત ગતિ મહાપ્રયાસ થી પ્રાપ્ત થાય છે.(૫)

---માટે તું મારામાં જ મન સ્થિર કર,મારામાં જ બુદ્ધિ પરોવ.એમ કર્યાથી તું મારામાં જ વાસ કરીશ,એમાં શંકા નથી (૮)

---જો તું આમ ના કરી શકતો હોય તો અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કર.(૯)

---અભ્યાસ યોગ પણ ના કરી શકતો હોય તો મારે માટે જ કર્મ પરાયણ બન (૧૦)

---જો આમ કરવા પણ તું અસમર્થ હોય તો,મન નો સંયમ કરી કર્મફળો નો ત્યાગ કરી કર્મ કર (૧૧)

કારણકે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,

જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે,અને

ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે.(૧૨)

જે કોઈ નો દ્વેષ નહિ કરનાર,મિત્રભાવે વર્તનાર,દયાળુ,મમતા વિનાનો,અહંકાર વગરનો,સરળ,સુખ દુઃખ ને સમાન માનનાર,ક્ષમાશીલ ,સદા સંતોષી,યોગનિષ્ઠ,ઈન્દ્રિયોને વશમાં રાખનાર,દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં મન બુદ્ધિવાળો હોય છે,તે મારો ભક્ત મને પ્રિય છે (૧૩-૧૪)

જેઓ મારામાં ‘પરમ શ્રધ્ધા ‘ રાખી,મારામાં ‘પરાયણ’ રહી,અત્યાર સુધી માં વર્ણવેલા ‘ધર્મ મય’ અમૃત નું સેવન કરે છે.તે મને પ્રિય છે (૨૦)


અધ્યાય-૧૩-ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ


અર્જુન –હે કૃષ્ણ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ,જ્ઞાન-જ્ઞેય અને પ્રકૃતિ-પુરુષ વિષે હું જાણવા ઈચ્છું છું(૧)

કૃષ્ણ –હે અર્જુન,શરીર ને ક્ષેત્ર કહેવાય છે,

અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે(૨)

સર્વ શરીરમાં (ક્ષેત્રમાં)રહેલા મને (આત્માને) ,તું ક્ષેત્રજ્ઞ જાણ.

આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે ‘જ્ઞાન’ છે,(૩)

(જ્ઞાન = “ આત્મ જ્ઞાન માં નિષ્ઠા અને તત્વજ્ઞાન નું મનન”—આ લક્ષણો જ્ઞાન પ્રાપ્તિ કરાવી આપનારા છે,માટે તેને -જ્ઞાન કહ્યું છે –૧૨)

’જ્ઞેય’ એટલે કે ‘જે જાણવા યોગ્ય છે તે’—જે જાણવાથી મોક્ષ મળે છે તે—અને ‘તે’ અનાદિ ‘બ્રહ્મ’ છે(૧૩)

ક્ષેત્ર (શરીર) પાંચ મહાભૂતોનું બનેલું છે,અને તેના અહંકાર,સુખ-દુઃખ ,રાગ-દ્વેષ જેવા વિકારો છે (૬-૭)

‘પ્રકૃતિ’ અને ‘પુરુષ’ ,બન્ને ને તું અનાદિ અને નિત્ય જાણ, શરીરના રાગ-દ્વેષાદિ,સત્વ આદિ વિકારો ‘પ્રકૃતિ’ થી ઉત્પન્ન થયેલા જાણ (૨૦)

તે ,‘બ્રહ્મ’, ‘પુરુષ’ ને સર્વ બાજુ –હાથ-પગ,નેત્રો,મસ્તક,મુખ ને કાન છે.અને સંપૂર્ણ લોકમાં સર્વ માં વ્યાપ્ત છે.(૧૪)

તે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે,છતાં તે ઇન્દ્રિયો વગરના છે,અને તે આશક્તિ વગરના , સર્વનું ધારણ-પોષણ કરનાર, ગુણો વગરના છતાં ગુણોના ભોક્તા છે (૧૫)

જે મનુષ્ય સર્વ પ્રકારના ‘કર્મોને’ પ્રકૃતિ દ્વારા જ કરાય છે,એમ જુએ છે,અને આત્મા ને અકર્તા જુએ છે, તે જ સાચું જુએ છે(૩૦)

જયારે મનુષ્ય સર્વ જીવોને-વસ્તુઓને ,એક પરમાત્મા માં રહેલા જુએ છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે.(૩૧)

જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ‘ક્ષેત્રજ્ઞ’(આત્મા-પરમાત્મા),સર્વ ‘ક્ષેત્ર’ને(શરીરને) પ્રકાશિત કરે છે(૩૫)


અધ્યાય-૧૪ -ગુણત્રયવિભાગ યોગ


કૃષ્ણ –હે અર્જુન,મારી ‘મૂળ પ્રકૃતિ’(મહદ બ્રહ્મ પ્રકૃતિ) એ સર્વ ભૂતોની યોનિ સ્થાન

(ગર્ભ સ્થાન) છે.તેમાં હું જ પિતા તરીકે ચેતન ના અંશ રૂપ બીજ મુકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું.જેના થી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે (૩-૪)

સત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિ માં થી ઉત્પન્ન થયેલા છે,અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્મા ને બાંધે છે.(૫)

સત્વ ગુણ---નિર્મળ અને પ્રકાશક છે,તે ‘સુખ’અને ‘જ્ઞાન’ ના સંગ થી જીવ ને બાંધે છે (૬)

રજોગુણ---આશક્તિ અને રાગ રૂપ છે,તે ‘કર્મ’ ના સંગ થી જીવ ને બાંધે છે(૭)

તમોગુણ---અજ્ઞાન અને મોહ રૂપ છે,તે ‘પ્રમાદ,આળસ અને નિંદ્રા’ વડે જીવ ને બાંધે છે(૮)

રજોગુણ ને તમોગુણ ને દબાવી સત્વગુણ વૃદ્ધિ પામે છે,જેના થી જ્ઞાન ઉત્પન્ન થાય છે,અને દેવગતિ ની પ્રાપ્તિ થાય છે. સત્વગુણ અને તમોગુણ ને દબાવી રજોગુણ વૃદ્ધિ પામે છે,જેનાથી આશક્તિ (લોભ) ઉત્પન્ન થાય છે,અને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે . સત્વગુણ અને રજોગુણ ને દબાવી તમોગુણ ઉત્પન્ન થાય છે,જેનાથી મોહ –અજ્ઞાન ઉત્પન્ન થાય છે,અને અધોગતિ પ્રાપ્ત થાય છે.(૧૦-૧૮)

જયારે તત્વજ્ઞ –જ્ઞાની મનુષ્ય,- ગુણો કરતાં બીજા કર્તા ને જાણતો નથી પણ ગુણો થી પર એવા આત્મા ને જાણે છે,ત્યારે તે મારા સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે (૧૯)

જે મનુષ્ય ઉપરના ત્રણે ગુણોથી થનારા –પ્રકાશ,પ્રવૃત્તિ અને મોહ ને માનતો નથી,અને કાર્યોની નિવૃત્તિ થતાં તેમની ઈચ્છા કરતો નથી,કશું પણ કરતો નથી અને ઉદાસીન ની માફક પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,

’ગુણો જ ગુણો માં પ્રવર્તે છે’ એવું સમજી સુખ-દુઃખ ને સમાન માને છે,સ્વસ્થ રહે છે,માટી-પથ્થર-સોનાને સમાન ગણે છે,પ્રિય-અપ્રિય,નિંદા-સ્તુતિ, માન-અપમાન માં નિર્વિકાર રહે છે,શત્રુ-મિત્ર માં સમ-ભાવે રહે છે,

અને બધા કર્મો ના આરંભ નો જેને ત્યાગ કર્યો છે,તે ‘ગુણાતીત’ કહેવાય છે. (૨૨-૨૫)

જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને ઉપાસે છે,તે આ ત્રણે ગુણોથી પર થઇ ‘બ્રહ્મભાવ’ પામવા યોગ્ય બને છે(૨૬)


અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ


આ સંસાર રૂપી પીપળાના વૃક્ષ ના ‘મૂળ’ ઉપર છે અને શાખા ઓ નીચે છે,તથા તેનો કદી નાશ થતો નથી,એમ કહેવામાં આવે છે.

વેદ ના છંદો તેના પાંદડા છે,આ રહસ્ય ને જાણનાર વેદવેતા છે.(૧)

આ વૃક્ષ ની શાખાઓ ‘સત્વાદિ’ ગુણોથી વધેલી અને ‘વિષયો’રૂપ કુંપળોવાળી હોઈ તે ઉપર અને નીચે પ્રસરેલી છે.તેમજ નીચે મનુષ્ય લોકમાં ‘કર્મ સંબધી’ મૂળો ફેલાયેલા છે.(૨)

જે રીતે આ વૃક્ષ નું વર્ણન કરેલું છે,તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવ માં આવતું નથી, અને તેને અંત-આદિ,સ્થિતિ-આદિ પણ નથી. આ બળવાન વૃક્ષનું દ્રઢ વૈરાગ્ય રુપી શસ્ત્ર થી છેદન કરી પરમ પદ પ્રાપ્ત કરવું જોઈએ,જ્યાંથી પુનઃ પાછા ફરવાનું નથી .

“જેમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલતી આવી છે,તે આદ્ય પુરુષ ને હું શરણે આવ્યો છું” આવી ભાવનાથી તે પરમ પદ ની શોધ કરવી”(૩-૪)

જે મનુષ્ય માન-મોહ થી મુક્ત છે,જેને સંગ-દોષને જીત્યો છે, જેઓ કામના ત્યાગીને નિત્ય પરમાત્મ સ્વરૂપના ચિંતન માં તત્પર રહે છે અને જેઓ સુખ-દુઃખ ના દ્વંદો થી પર થયેલા છે,તેવા જ્ઞાની અવિનાશી પરમ પદ ને પામે છે.(૬)

આ સંસાર માં મારો જ અંશ. સનાતન જીવરૂપ થઇને,પ્રકૃતિમાં સ્થિત,મન સહિત પાંચ ઈન્દ્રિયોને આકર્ષે છે,એ જીવ જયારે એક દેહ છોડી બીજા દેહ માં જાય છે,ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઇ ગતિ કરે છે,તેમ જીવાત્મા છોડેલા દેહની વાસનાઓ,મન સાથે લઇ જાય છે(૭-૮)

હું વૈશ્વાનર (જઠરાગ્ની)રૂપ થઇ પ્રાણીઓના દેહના આશ્રયે રહી,પ્રાણ તથા અપાન વાયુ થી યુક્ત થઇ,ચાર પ્રકારનું અન્ન પચાવું છું(૧૪)

ક્ષર અને અક્ષર (નાશવંત અને અવિનાશી)એવા બે પુરુષો છે ,જેમાં સર્વ ભૂત ‘ક્ષર’છે અને તેમાં રહેલો આત્મા ‘અક્ષર’ છે.(કે જે સર્વ ભૂતો ના ઉત્પત્તિ નું કારણ છે) (૧૬)

પણ આ ક્ષર અને અક્ષર બન્ને થી ‘ઉત્તમ પુરુષ’ અલગ છે,જે ‘પરમાત્મા’ ના નામથી ઓળખાય છે,અને વેદ માં તે ‘પુરુષોત્તમ’ નામથી પ્રસિદ્ધ છે(૧૭-૧૮)

જે મનુષ્ય મોહ ત્યાગ કરી ,મને ‘પુરુષોત્તમ’ સ્વરૂપે જાણે છે ,તે સર્વજ્ઞ હોઈ મને સર્વ ભાવથી ઉપાસે છે (૧૯)

આ પ્રમાણે ગુહ્યમાં ગુહ્ય (ગુહ્ય્ ત્તમ )અધ્યાત્મ શાસ્ત્ર તને કહ્યું ,જે જાણી મનુષ્ય આત્મજ્ઞાની અને કૃતાર્થ થાય છે(૨૦)


અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ


અભયતા,ચિત્તની નિર્મળતા,તત્વજ્ઞાન,અહિંસા,સત્ય,ધ્યાનમાં નિષ્ઠા,જ્ઞાન વગેરે દૈવી સંપત પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે.(૧-૩)

દંભ,દર્પ,અભિમાન,ક્રોધ,કઠોરતા,અજ્ઞાન વગેરે આસુરી સંપત વાળા પુરુષોના લક્ષણો છે.(૪)

દૈવી સંપદા મોક્ષ આપનારી અને આસુરી સંપદા બંધન માં નાખનારી છે(૫)

આસુરી વૃત્તિવાળા મનુષ્યો,પ્રવૃત્તિ કે નિવૃત્તિ કર્મોને સમજતા નથી, તેમનામાં પવિત્રતા,સદાચાર,સત્યતા હોતા નથી (૩)

તેઓ કહે છે કે –“આ જગત આધાર વિનાનું,ઈશ્વર વિનાનું,અસત્ય,અને કામરૂપ હેતુ વાળું છે.”અને તેથી કામનાઓ ભોગવે છે.(૮)

અને દંભ,મદ,માનથી છકીને, કદી તૃપ્ત ના થાય એવી કામનાઓ નો આશ્રય કરી,ખોટા આગ્રહો પકડીને ‘વિરુદ્ધ’કર્મો માં મચ્યા રહે છે.(૧૦)

‘આશા રૂપી’પશોથી બંધાયેલા તથા કામ-ક્રોધ માં પરાયણ રહેનારા આ મનુષ્યો અન્યાય થી ધન નો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે.(૧૨)

તેઓ વિચારે છે કે”આજે આ મેં મેળવ્યું છે અને હવે બીજી કામના સફળ કરી બીજું મેળવીશ,આ શત્રુને મેં માર્યો અને હવે બીજાને મારીશ.હું વૈભવશાળી,પ્રતિષ્ઠાવાળો,બળવાન,સુખી,ધનિક,કુટુંબ કબીલા વાળો,અને કુળવાન છું. હું યજ્ઞ કરીશ,દાન દઈશ,હું જ સિદ્ધ છું “ આવી રીતે અજ્ઞાન થી મોહિત,અનેક પ્રકારે ભ્રમિત ચિત્ત વાળા,મોહજાળમાં ફસાયેલા અને વિષયભોગમાં આશક્ત થયેલા તે આસુરી લોકો નરક માં જ જાય છે.(૧૩-૧૬)

પુરુષ નો નાશ કરનાર ત્રણ -નરકનાં દ્વાર છે,-કામ,ક્રોધ અને મોહ. તેનો તરત જ ત્યાગ કરવો જોઈએ.(૨૧)

તેનાથી મુક્ત થયેલો મનુષ્ય આત્મા નું કલ્યાણ કરી પરમ ગતિ પામે છે.(૨૨)

જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે,તે સિદ્ધિ કે પરમ સુખ મેળવી શકતો નથી.(૨૩)

કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મો નો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે.માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે.(૨૪)



અધ્યાય-૧૭ -શ્રધ્ધાત્રય વિભાગ યોગ


અર્જુન-હે કૃષ્ણ, જે પુરુષો શાસ્ત્રવિધિ છોડી ફક્ત શ્રદ્ધા યુક્ત થઇ આપને ભજે છે,તેમની ભક્તિ કેવા પ્રકારનીસમજવી?સાત્વિક,રજસ કે તમસ?

કૃષ્ણ- મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા છે તે –સાત્વિક,રજસ અને તમસ એમ ત્રણ પ્રકારની હોય છે (૨)

સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર અનુસાર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે,એ જે પ્રકારની શ્રદ્ધા થી યુક્ત હોય છે,તે તેવી જ યોગ્યતા નો હોય છે.(૩)

જેઓ સાત્વિક છે,તેઓ દેવોનું પૂજન કરે છે,જેઓ રાજસિક છે તેઓ રાક્ષસો-યક્ષો નું પૂજન કરે છે,અને તામસિક લોકો પ્રેત,ભૂતગણો નું પૂજન કરે છે.(૪)

રસાળ,ચીકણા,પૌષ્ટિક અને ચિત્તને રુચિકર આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.(૮)

તીખા,ખાટા,લુખ્ખા,કડવા,અતિ ગરમ અને દાહ કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય છે(૯)

વાસી,ઉતરી ગયેલું,રસહીન,વાસવાળું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે.(૧૦)

જે ફળની ઈચ્છા રાખ્યા વગર,કર્તવ્ય સમજી યજ્ઞ કરે તે સાત્વિક યજ્ઞ છે.(૧૧)

જે ફળની કામનાથી તેમજ દેખાડા માટે યજ્ઞ કરે છે તે રાજસિક યજ્ઞ છે.(૧૨)

જેમાં શાસ્ત્રવિધિ,અન્નદાન,મંત્ર,દક્ષિણા અને શ્રધ્ધા નથી હોતા તેવા યજ્ઞને તામસિક યજ્ઞ કહે છે.(૧૩)

ફળની ઈચ્છા વિના,સમ ચિત્ત થી,ઉત્તમ શ્રદ્ધા થી કરેલા તપને સાત્વિક તપ કહે છે (૧૭)

પોતાની સ્તુતિ,માન,અને પૂજા થવાના હેતુથી,કેવળ દામ્ભિકતાથી કરેલા તપ ને રાજસિક તપ કહે છે.(૧૮)

અજ્ઞાનતાથી,હઠથી,વાણી-શરીરને કષ્ટ આપી,બીજાનું અનિષ્ઠ કરવાના હેતુ થી કરેલું તપ તામસિક છે.(૧૯)

દાન દેવું એ આપણું કર્તવ્ય છે,એવી બુદ્ધિ થી,બદલાની આશા વિના,યોગ્ય સ્થળે,યોગ્ય સમયે,ઉપકાર પાછો વાળવા અસમર્થ હોય તેવી યોગ્ય વ્યક્તિને દાન અપાય તે સાત્વિક દાન છે.(૨૦)

બદલો મેળવવાની આશાએ ,અથવા ફળની આશાથી કચવાતા મને આપેલા દાન ને રાજસિક દાન કહ્યું છે.(૨૧)

સત્કાર વગર,તુચ્છ ભાવથી,તિરસ્કારથી,અયોગ્ય દેશ-કાળમાં આપેલ દાનને તામસિક દાન કહ્યું છે(૨૨)


અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસ યોગ


અર્જુન-હે કૃષ્ણ,હું સંન્યાસ અને ત્યાગ નું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું.(૧)

કૃષ્ણ-કામ્ય કર્મો (ફળની ઈચ્છા થી કરાતાં કર્મો)ના ત્યાગ ને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે.અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે.(૨)

ત્યાગ ત્રણ પ્રકારનો છે,કર્તવ્ય તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાન વશ ત્યાગ તે તામસિક ત્યાગ(૭)કર્મો દુઃખરૂપ છે,એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મો નો ત્યાગ તે રાજસિક ત્યાગ(૮)કર્તવ્ય કર્મ ને ધર્મ સમજી,આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ (૯)

શરીર,મન અને વાણી વડે મનુષ્ય જે કઈ ધર્મ કે અધર્મ રૂપ કર્મ કરે છે તેના પાંચ કારણો—દેહ,જીવાત્મા,સાધનો,ક્રિયાઓ અને દૈવ છે.(૧૪-૧૫)

પણ ‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી,અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી,તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે,તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધન માં પડતો નથી.(૧૭)

પછી ત્રણ જાતના (સાત્વિક,રાજસિક અને તામસિક )જ્ઞાન (૨૦-૨૨),કર્મ (૨૩-૩૫),કર્તા (૨૬-૨૮)બુદ્ધિ (૩૦-૩૨),ધીરજ(૩૩-૩૫)સુખ(૩૭-૩૯) બતાવ્યા છે.

બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્રોના ‘કર્મો’ તેમના ‘સ્વભાવગત ગુણો’ અનુસાર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે(૪૧)તેમના કર્મો નું વર્ણન (૪૨-૪૪) માં છે.

“અહંકાર અને મોહને લીધે તું યુદ્ધ કરવા ઈચ્છતો નથી પણ તારો ક્ષત્રિય સ્વભાવ અને તારા ‘સ્વભાવજન્ય’પૂર્વકર્મ નું બંધન તને વિવશ કરીને પણ યુદ્ધ કરાવડાવશે”(૫૯- ૬૦)

સંસાર રૂપ યંત્ર પર પૂતળાની જેમ બેઠેલા સર્વ પ્રાણીઓ ને માયા વડે ભરમાવતો પરમાત્મા તે સર્વ પ્રાણીઓના હૃદય માં વસે છે,માટે સર્વ ભાવથી મારે શરણે આવ અને પરમ શાંતિ-મોક્ષ પ્રાપ્ત કર(૬૧-૬૨)

આ પ્રમાણે મેં તને ગુહ્યત્તમ જ્ઞાન કહ્યું, તેને તું બરાબર ‘વિચારીને’ પછી તારી ‘ઈચ્છા’ હોય તેમ કર (૬૩)

આ ગીતા શાસ્ત્ર નું ગૂઢ જ્ઞાન તારે કદી તપરહિત,ભક્તિરહિત,સાંભળવા નહિ ઈચ્છનારને, અને મારી અસૂયા (નિંદા) કરે છે,તેને કહેવું નહિ (૬૭)

અર્જુન-હે કૃષ્ણ,આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણ પણે દૂર થયો છે,અને હવે શંશય વગરનો થઇ આપના કહેવા પ્રમાણે જ કરીશ (૭૩)

જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે,ત્યાં લક્ષ્મી,વિજય,ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે(૭૮)

Personal tools
Namespaces

Variants
Actions
Navigation
Print/export
Toolbox