ઋતુઓનું વર્ણન
From Wikisource
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય; પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ. ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ; ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય; પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન. સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ; બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચ્ચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર. ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય; છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ

