આપણી રાત

From Wikisource

Jump to: navigation, search

આપણી રાત શરદ પુનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત સખી!
હસે આકાશે ચંદ્રમા તારા લસે,
મને સાંભરે આપણી રાત સખી!

વદને નવજીવન નૂર હતું,
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું ,
મને સાંભરે આપણી રાત સખી!

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં પ્રેમી તણી,
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી,
કલ્પનાની ઈમારત કૈંક ચણી,
મને સાંભરે આપણી રાત સખી!

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું,
કથા અદ્ ભૂતએ જઈ કોને કહું,
સ્મરના જલ મહીં નિમગ્ન રહું,
મને સાંભરે આપણી રાત સખી!

રાત રૂપાળી રૂડી રસાળી હતી,
આશકોની અપૂર્વ દિવાળી હતી,
આખી ઉત્સવ માફક ગાળી હતી!
મને સાંભરે આપણી રાત સખી!

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો,
અને આખર આમ વિયોગ થયો,
મને સાંભરે આપણી રાત સખી!

હસે આકાશે ચંદ્રમા તારા લસે,
મને સાંભરે આપણી રાત સખી!
શરદ પુનમની રઢિયાળી સદા.
મને સાંભરે આપણી રાત સખી!