અખાના છપ્પા(કુટફળ અંગ)

From Wikisource

Jump to: navigation, search

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;

તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;

કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


ક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;

પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;

એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.


મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;

પ્રાણ પિંડમાં હું કે હરિ, જો જુવે અખા વૃત્તિ કરી;

બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર.


પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;

સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે;

સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય;

ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન.


જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય;

કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો;

મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ.


હન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;

તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ;

માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય.


નુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે;

ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ;

અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ.


વી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;

ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;

અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.


જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;

અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;

ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.


જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;

અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી;

સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે.


ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;

ભૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા;

અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા.


જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે;

પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ;

નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા.


રણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;

ચરણ જળે કે ભૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ;

તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે.


જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ;

એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો;

ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર.


થા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;

શીખ થઇ ત્યારે આપ્યું શું, નગ્ન થઇ ગયા વનમાં પશુ;

નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા.


ઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે;

અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા;

તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા.


દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;

ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય.


સાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું;

વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા;

જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા.


જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;

કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;

અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;

અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ.


જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ;

અંશીનર ઉંઘ્યો આપમાંહે, સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહે;

વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ.


ત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;

વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;

અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય.


બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી;

બ્રહ્મવિધા રહી બ્રહ્મને દેશ, પોતામાં નવ આવ્યો લેશ;

થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે.


ણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;

અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી;

પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો.


પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;

અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ;

સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ.


પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;

પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના;

કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ.

આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;

કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;

ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.


વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછેરી ઘેર;

વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરૂં જડે;

જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર.


જા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ;

સાચી વાતને સંતજ વદે, તેને મૂરખ ઉલટો નંદે;

અખા આંધળે લુંટ્યો બજાર, સંતગુરુનો એવો વિચાર.


ગતપ્રમોદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે;

સમજુ ને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ;

એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે.


વિષયી જીવથી પ્રીતજ કરે, તત્વદર્શી ઉપર અભાવજ ધરે;

ખાનપાન વિષયાદિક ભોગ, તત્વદર્શીને સર્વે રોગ;

અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા.


ગુરુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ;

તે પીડાથી દુઃખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો;

વાયક જાળમાં ઘુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે.


જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;

ત્રણકાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી;

તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઇ બેઠો મૂઢ.


સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;

શિષ્ય રાખ્યાનો શિરપર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર;

આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ.


લીલા વૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે;

એમ હારને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનક કામની તણા;

અખા ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર.


અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો;

કામબાણ ન શક્યો જાળવી, રડવડતી એક આણી નવી;

શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો.


ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ;

બળદની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય;

જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદેવા.


સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ;

સૌનાં નેત્રો ફૂટિ ગયાં, ગુરુ આચાર્યજ કાણા થયા;

શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય.


મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ;

મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી;

સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ.


જ્ઞાતાનો એવો ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેશ;

ઘરઘર મહાત્મ્ય વધારતા ફરે, દામચામનાં જતનજ કરે;

અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત.


રિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે;

પાણો કે હું પર્વત લહું, એ આશ્ચર્ય તે કેને કહું;

અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી.


જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા;

નીર હતું તે કીચમાં ગયું, આત્મથકી તે અળગું રહ્યું;

છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ.


નંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા;

વેદ બ્રહ્માએ પૂજ્યા હરિ, તેથી લક્ષ તજજ્ઞનો દુરી;

ભૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ.


ષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે;

રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય;

કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર.


જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન;

સપ્તપુરી મધ્ય મારૂં આડ્ય, સર્વસ્વ હાર્યે ભાગે જાડ્ય;

જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે.


કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો;

નહિ મહેનત વેઠે નહિ શાય, વંદે વિશ્વ એ ફ્ળ મહિમાય;

હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સંસાર.


જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર;

અન્ય ઉપાય નથી એ જવા, સામા બંધ બંધાય નવા;

કર્મ કરતાં ન આવે છેક, અખા વિચારે ન મળે શેષ.


ખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવા કર્મ;

જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય, ગાળે ત્યારે ફીટી જાય;

પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ.


તેજ લોહનું જ્યારે દર્પણ કરે, શિકલ કરીને મશકલો ફરે;

તેજ નીકળે પોગર ઢંકાય, આપોપું દિસે તે માંય;

અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદેર્ય.


લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા;

અહંતારૂપી લોહ છે સદા, ઘાટ થયા વિના ન રહે કદા;

અખા અહંતા લોઢું માર્ય, મર્યા પછી તે તરશે વાય.


જે જળમાં લોહ બુડી જતું, તે ઉપર દીસે રમતું;

તેમ ભવસાગર હરિસાગર થયો, જ્યારે આપોપાનો ભારજ ગયો;

અખા મધ્યથો જા તું ટળી, બંધ ને મોક્ષ કથીશમાં વળી.


ખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ;

જેમ બાધું જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડ્ય;

રંગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભૂલ.


>>>>અખાના છપ્પા(કુટફળ અંગ) ભાગ-૨>>>>

અખાના છપ્પા